પરિવર્તનનો આધાર લઈને આવ્યો કોરોના કાળ: કેદારપ્રસાદ દુબે
મોડાસા ગાયત્રી પરિવારનો વેબિનાર સંપન્ન
મોડાસા 15 જુન: કોવિડ-19 થી જ્યારે આખું વિશ્વ પોતાના ઘરોમાં બંધ છે,ત્યારે આધુનિક વિજ્ઞાનની સહાયતા સાથે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ,હરિદ્વારના તત્વાવધાનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા સાથે જોડાયેલા સેંકડો કાર્યકર્તાઓનો વેબિનાર સંપન્ન થયો હતો. વેબિનારનું આયોજન રવિવારના રોજ શાંતિકુંજ,હરિદ્વારના યુવા પ્રકોષ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયત્રી પરિવાર, મોડાસાના સેંકડો કાર્યકર્તાઓ સોસીયલ મિડિયાના માધ્યમ દ્વારા ગુરુધામ શાંતિકુંજ સાથે જોડાયા હતા.
સંચાલન કર્તા યુવા પ્રકોષ્ટના રાષ્ટ્રીય પ્રભારી શ્રી કેદારપ્રસાદ દુબેએ કહ્યું હતું કે કોરોનાને લઈ આખું વિશ્વ ભયના માહોલ વચ્ચે જીવી રહ્યું છે ત્યારે ગાયત્રી પરિવાર આ કોરોનાકાળને પણ સકારાત્મક ચિંતન સાથે વિધેયાત્મક કાર્યોમાં જોડાયેલ છે. એમણે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીને યાદ કર્તા જણાવ્યું હતું કે પરિવર્તન હમેશા કષ્ટકારી હોય છે. પરંતુ અંતે તો એ સારા પરિણામો આપીને જાય છે.
એમણે કહ્યું કે પ.પૂ.ગુરુદેવ યુગદ્રષ્ટા હતા. જેમણે વર્ષો પહેલાં ૮૦ ના દાયકામાં આ ભવિષ્યવાણી કરી હતી કે પ્રકૃતિ પરિવર્તન કરીને જ રહેશે. આજે આ બધું સાક્ષાત જોઈ રહ્યા છીએ પ્રકૃતિએ પરિવર્તન શરું કરી નાખ્યું છે. ચારે બાજુ નદીઓ, પર્વતો હિમાલય, વાયુ યા મનુષ્યની જીવનશૈલી આ બધામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
આ પ્રસંગે તેઓએ વિજ્ઞાનની સાથે અધ્યાત્મને જોડી નવી જીવનશૈલી અપનાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે ગાયત્રી પરિવાર, મોડાસાના કિરીટભાઈ સોનીએ રચનાત્મક ગતિવિધીઓને વેગવાન બનાવવા સંકલ્પ કર્યા હતા. કાર્યક્રમના સમાપન પ્રસંગે શાંતિકુંજ, હરિદ્વારના શ્રી કિર્તનભાઈ દેસાઈએ ભાવ સંવેદનાના વિકાસ માટે ગાયત્રી પરિવારને આહવાહિત કર્યા હતા. આ પ્રસંગે મોડાસા તેમજ આસપાસના ગામોના સેંકડો પરિજનોએ આ વેબિનારમાં ભાગ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે મોડાસા ક્ષેત્ર માટે આ પ્રકારનો પ્રથમ વેબિનાર યોજાયો હતો. જેમાં ધર્માભાઈ પટેલ, કાંતિભાઈ ચૌહાણ, અરવિંદભાઈ કંસારા, રશ્મિકાંત પંડ્યા, સોમાભાઈ બારોટ , શીવુભાઈ પટેલ, હરેશભાઈ કંસારા, અમૃતભાઇ પટેલ, મુકેશભાઈ સુરાની, પરેશભાઇ ભટ્ટ સહિત અનેક કાર્યકર્તા ભાઈઓ બહેનો જોડાયા હતા.
No Comment
You can post first response comment.